શેરના ભાવ ભાગ્યે જ સીધી રેખામાં આગળ વધે છે. કેટલીક સિક્યોરિટીઝ લાંબા સમય સુધી સ્થિર રહે છે, જ્યારે અન્ય ટૂંકા સમયમાં ઝડપથી વધે અને ઘટે છે. ભાવમાં થતી આ સતત હિલચાલને વોલેટિલિટી તરીકે ઓળખવામાં આવે છે, અને શેરબજાર કેવી રીતે કાર્ય કરે છે, તેમાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. વોલેટિલિટીને સમજવાથી રોકાણકારોને જોખમ માપવામાં બજારના વર્તણૂકનું વિશ્લેષણ કરવામાં અને વધુ સારી રીતે જાણકાર નાણાંકીય નિર્ણયો લેવામાં મદદ મળે છે.
બજારની વોલેટિલિટી આર્થિક ઘટનાઓ, રોકાણકારોની ભાવના, વૈશ્વિક વિકાસ અને માંગ અને પુરવઠામાં થતા ફેરફારોથી પ્રભાવિત થઈ શકે છે. ભલે ભાવ ક્રમશઃ વધે કે ઝડપથી વધઘટ થાય, વોલેટિલિટી ટ્રેડિંગ વ્યૂહરચના, રોકાણનું આયોજન અને એકંદર બજારના વિશ્વાસને અસર કરે છે.
કી ટેકવેઝ
- વોલેટિલિટી દર્શાવે છે કે ચોક્કસ સમયગાળામાં શેર કે માર્કેટ ઇન્ડેક્સની કિંમત કેટલી ઝડપથી બદલાય છે.
- ઐતિહાસિક વોલેટિલિટી ભૂતકાળના ભાવની હિલચાલનો અભ્યાસ કરે છે, જ્યારે ઈમ્પ્લાઇડ વોલેટિલિટી બજારની અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.
- સ્ટાન્ડર્ડ ડેવિએશન, બીટા અને વીઆઈએક્સનો ઉપયોગ સામાન્ય રીતે બજારની વોલેટિલિટી અને જોખમના સ્તરને માપવા માટે થાય છે.
- બજારની વોલેટિલિટી આર્થિક ઘટનાઓ, રોકાણકારોની ભાવના, માંગ અને પુરવઠા અને વૈશ્વિક વિકાસથી પ્રભાવિત થઈ શકે છે.
શેરબજારમાં વોલેટિલિટી એટલે શું?
શેરબજારમાં વોલેટિલિટી એટલે ચોક્કસ સમયગાળામાં શેર, ઇન્ડેક્સ અથવા સિક્યોરિટીની કિંમત વધવાનો કે ઘટવાનો દર. તે દર્શાવે છે કે બજારના ભાવ કેટલી ઝડપથી બદલાય છે અને રોકાણકારોને રોકાણ સાથે જોડાયેલ અનિશ્ચિતતા અથવા જોખમના સ્તરને સમજવામાં મદદ કરે છે. જ્યારે ટૂંકા સમયમાં ભાવ ઝડપથી બદલાય છે, ત્યારે બજારને વધુ વોલેટાઇલ ગણવામાં આવે છે. તેનાથી વિપરિત નાની અને સ્થિર કિંમતમાં હિલચાલ ઓછી વોલેટિલિટી સૂચવે છે.
વોલેટિલિટી સામાન્ય રીતે પસંદ કરેલા સમયગાળામાં વળતરના સ્ટાન્ડર્ડ ડેવિએશન તરીકે માપવામાં આવે છે. દૈનિક વોલેટિલિટી એટલે દૈનિક વળતરનું સ્ટાન્ડર્ડ ડેવિએશન. વોલેટિલિટીને સમજવી મહત્વપૂર્ણ છે, કારણ કે તે રોકાણના નિર્ણયો, ટ્રેડિંગ વ્યૂહરચનાઓ અને જોખમ વ્યવસ્થાપનને પ્રભાવિત કરે છે. તે રોકાણકારોને એ મૂલ્યાંકન કરવામાં પણ મદદ કરે છે કે શું કોઈ સિક્યોરિટી તેમના નાણાંકીય લક્ષ્યો અને જોખમ સહન કરવાની ક્ષમતા સાથે મેળ ખાય છે.
શેરબજારમાં વોલેટિલિટીનું મહત્વ શું છે?
વોલેટિલિટી સમય જતાં શેર અથવા ઇન્ડેક્સ રિટર્નમાં વિવિધતાની ડિગ્રીને પ્રતિબિંબિત કરે છે અને તેનો ઉપયોગ વ્યાપકપણે જોખમના પ્રોક્સી તરીકે થાય છે. ઉચ્ચ વોલેટિલિટી એટલે વળતરનું વધુ વિખેરણ (dispersion), જેનો અર્થ છે કે ટૂંકાગાળામાં ભાવ કોઈપણ દિશામાં ઝડપથી વધી કે ઘટી શકે છે. તેને આંકડાકીય રીતે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો ઉપયોગ કરીને અથવા India વીઆઈએક્સ જેવા બજાર-આધારિત સૂચકાંકોમાંથી મેળવીને માપવામાં આવે છે.
વધુ વોલેટિલિટી સામાન્ય રીતે સૂચવે છે:
- ભાવમાં હિલચાલમાં વધુ અનિશ્ચિતતા
- રોકાણકારો માટે વધુ જોખમ
- નફો અને નુક્શાન બંનેની વધેલી સંભાવના
વોલેટિલિટીની ગણતરી કેવી રીતે કરવી?
વોલેટિલિટી સામાન્ય રીતે વળતરના સ્ટાન્ડર્ડ ડેવિએશનનો ઉપયોગ કરીને માપવામાં આવે છે. વાર્ષિક વોલેટિલિટી માટે નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે:
σ વાર્ષિક = σ સમયગાળો × √T
જ્યાં:
- σ વાર્ષિક = વાર્ષિક વોલેટિલિટી
- σ સમયગાળો = પસંદ કરેલા સમયગાળા માટે વળતરનું સ્ટાન્ડર્ડ ડેવિએશન
- T = વર્ષ દીઠ સમયગાળાની સંખ્યા (ઉદાહરણ તરીકે, દૈનિક વળતરનો ઉપયોગ કરતી વખતે 252 ટ્રેડિંગ દિવસો)
આ પદ્ધતિનો ઉપયોગ નાણાંકીય બજારોમાં વિવિધ સમયમર્યાદામાં વોલેટિલિટીને પ્રમાણિત કરવા માટે થાય છે.
વોલેટિલિટીની ગણતરી કરવાના પગલાં શું છે?
- કિંમતનો ડેટા એકત્રિત કરો: પસંદ કરેલા સમયગાળા માટે સ્ટોક, ઇન્ડેક્સ અથવા સિક્યોરિટીના ઐતિહાસિક ક્લોઝિંગ ભાવ એકત્રિત કરો.
- રીટર્નની ગણતરી કરો: કિંમતોમાં થતા ફેરફારોને વળતરમાં રૂપાંતરિત કરો, પ્રાધાન્યમાં લોગ રિટર્ન અથવા ટકાવારી રિટર્ન, જેથી ડેટા તુલનાત્મક બને.
- સરેરાશ રીટર્ન શોધો: પસંદ કરેલા સમયગાળા દરમિયાન વળતરની એવરેજ કાઢો.
- સરેરાશથી વિચલન માપો: દરેક વળતરના મૂલ્યમાંથી સરેરાશ વળતર બાદ કરો, જેથી દરેક બિંદુ સરેરાશથી કેટલું દૂર જાય છે તે જોઈ શકાય.
- વેચલનોનો વર્ગ કરો: દરેક તફાવતનો વર્ગ કરો, જેથી નેગેટીવ અને પોઝીટીવ હિલચાલ એકબીજાને રદ ન કરે.
- વેરિઅન્સની ગણતરી કરો: વર્ગ કરેલા વિચલનોને ઉમેરો અને તેને અવલોકનોની યોગ્ય સંખ્યા વડે ભાગો.
- વર્ગમૂળ કાઢો: વેરિઅન્સનું વર્ગમૂળ તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન આપે છે, જે વોલેટિલિટીનું માપ છે.
- જરૂર પડે તો વાર્ષિક ધોરણે ગણો: જો તમે વાર્ષિક વોલેટિલિટી ઇચ્છતા હોવ, તો દૈનિક વોલેટિલિટીને વર્ષના ટ્રેડિંગ દિવસોની સંખ્યાના વર્ગમૂળ સાથે ગુણાકાર કરો, જે સામાન્ય રીતે 252 હોય છે.
વોલેટિલિટીના પ્રકાર શું છે?
વોલેટિલિટીના બે પ્રકાર છે, જે નીચે મુજબ છે:
ઐતિહાસિક વોલેટિલિટી:
"ઐતિહાસિક વોલેટિલિટી" શબ્દ ક્યારેક આંકડાકીય વોલેટિલિટીનો સંદર્ભ આપે છે. તે અન્ડરલાઇંગ સિક્યોરિટીઝની વોલેટિલિટીનો અંદાજ કાઢવા માટે નિર્ધારિત સમયગાળા દરમિયાન ભાવમાં થતા ફેરફારોનો ઉપયોગ કરે છે. તે ભૂતકાળના ભાવની હિલચાલ પર આધારિત હોવાથી તેનો ઉપયોગ ઘણીવાર ઇમ્પ્લાઇડ વોલેટિલિટી કરતા અલગ રીતે થાય છે.
ઐતિહાસિક વોલેટિલિટીમાં વધારો સૂચવે છે કે સિક્યોરિટીના ભાવ સામાન્ય કરતા વધુ વધઘટ થઈ શકે છે. ઓછી ઐતિહાસિક વોલેટિલિટી નાની કિંમતની હિલચાલ અને વધુ સ્થિર બજાર વર્તણૂંક સૂચવે છે.
ઇમ્પ્લાઇડ વોલેટિલિટી
ઇમ્પ્લાઇડ વોલેટિલિટી ઓપ્શન્સ ટ્રેડર્સ માટે એક મુખ્ય સૂચક છે, જેને અનુમાનિત વોલેટિલિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ સૂચવે છે તેમ, તે ટ્રેડર્સને સંભવિત બજાર વોલેટિલિટીનો અંદાજ કાઢવામાં મદદ કરે છે. એ યાદ રાખવું જરૂરી છે કે તેને વિજ્ઞાન તરીકે ગણવી જોઈએ નહીં, તે આગાહી કરી શકતી નથી કે બજાર કેવી રીતે વર્તશે. ઐતિહાસિક વોલેટિલિટીથી વિપરીત ઇમ્પ્લાઇડ વોલેટિલિટી ભવિષ્યની વોલેટિલિટી માટેની આગાહીઓને પ્રતિબિંબિત કરે છે અને ઓપ્શનની પ્રાઈસ પરથી લેવામાં આવે છે. તે ઇમ્પ્લાઇડ હોવાથી ટ્રેડર્સ ભવિષ્યના પ્રદર્શનની આગાહી કરવા માટે ભૂતકાળના પ્રદર્શનનો ઉપયોગ કરી શકતા નથી. તેના બદલે ટ્રેડર્સ તેનો ઉપયોગ સંભવિત બજારની અપેક્ષાઓનું મૂલ્યાંકન કરવા માટે કરે છે.
વોલેટિલિટીને અસર કરતા પરિબળો શું છે?
વોલેટિલિટી ઘણા બજાર અને આર્થિક પરિબળોથી પ્રભાવિત થાય છે, જે શેર, ઇન્ડેક્સ અથવા નાણાકીય સંપત્તિની કિંમતમાં ફેરફાર લાવી શકે છે. વધુ અનિશ્ચિતતા અથવા અચાનક બનેલી ઘટનાઓ સામાન્ય રીતે ભાવમાં મોટી વધઘટ તરફ દોરી જાય છે. વોલેટિલિટીને અસર કરતા કેટલાક મુખ્ય પરિબળોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- બજારની ભાવના: સમાચાર, ઘટનાઓ અથવા અપેક્ષાઓ પર રોકાણકારોની પ્રતિક્રિયા ખરીદવાની કે વેચવાની પ્રવૃત્તિમાં વધારો કરી શકે છે.
- આર્થિક સૂચકાંકો: ફુગાવો, વ્યાજ દરો, જીડીપી ગ્રોથ અને રોજગારના આંકડા જેવા ડેટા બજારની હિલચાલને અસર કરી શકે છે.
- કંપની-વિશિષ્ટ ઘટનાઓ: કમાણીની જાહેરાતો, વિલીનીકરણ, મેનેજમેન્ટમાં ફેરફાર અથવા વ્યવસાયિક અપડેટ્સ શેરના ભાવને અસર કરી શકે છે.
- માંગ અને પુરવઠો: ખરીદ કે વેચાણના દબાણમાં તીવ્ર ફેરફારો ભાવમાં વધઘટમાં વધારો કરી શકે છે.
- વૈશ્વિક ઘટનાઓ: ભૌગોલિક-રાજકીય વિકાસ, નીતિગત ફેરફારો, કુદરતી આફતો અથવા આંતરરાષ્ટ્રીય આર્થિક ઘટનાઓ બજારોને પ્રભાવિત કરી શકે છે.
-
બજારની તરલતા: ઓછા ટ્રેડિંગ વોલ્યુમ ધરાવતી સંપત્તિઓ મર્યાદિત તરલતાને કારણે મોટી કિંમતની વધઘટ અનુભવી શકે છે.
વોલેટિલિટીના અન્ય માપદંડો શું છે?
-
બીટા
બીટા માપે છે કે શેરના ભાવની હિલચાલ તેના બેન્ચમાર્ક માર્કેટ ઇન્ડેક્સ સાથે કેવી રીતે સરખાવવામાં આવે છે. તે ઇન્ડેક્સની તુલનામાં શેરની વોલેટિલિટી સૂચવે છે. 1 કરતાં વધુ બીટા સૂચવે છે કે શેર ઇન્ડેક્સ કરતા વધુ વોલેટાઇલ છે, જ્યારે 1 કરતા ઓછો બીટા ઓછી વોલેટિલિટી સૂચવે છે.
ઉદાહરણ તરીકે, નિફ્ટી 50ની તુલનામાં 1.3 બીટા ધરાવતા શેર ઇન્ડેક્સની કોઈપણ હિલચાલના આશરે 130% વધવાની અપેક્ષા રાખે છે, જ્યારે 0.5નો બીટા ઇન્ડેક્સની હિલચાલના માત્ર 50% સૂચવે છે.
-
વોલેટિલિટી ઇન્ડેક્સ (વીઆઈએક્સ)
વોલેટિલિટી ઇન્ડેક્સ (વીઆઈએક્સ) સમગ્ર બજારની વોલેટિલિટીનો આંકડાકીય સૂચક, બજારની વોલેટિલિટીનું અવલોકન કરવા માટે પણ વાપરી શકાય છે. ભારતમાં ઇન્ડિયા વીઆઈએક્સની ગણતરી નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા નિફ્ટી 50 ઇન્ડેક્સ ઓપ્શન્સના ભાવનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને તે આગામી 30 કેલેન્ડર દિવસોમાં નિફ્ટીની વોલેટિલિટીની બજારની અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે, જે વાર્ષિક ટકાવારી તરીકે વ્યક્ત થાય છે.
ઊંચો ઇન્ડિયા વીઆઈએક્સ સામાન્ય રીતે રોકાણકારોમાં વધેલી અનિશ્ચિતતા અને ગભરાટ સૂચવે છે, જ્યારે નીચો ઇન્ડિયા વીઆઈએક્સ પ્રમાણમાં શાંત બજાર સૂચવે છે. ભારતીય સંદર્ભમાં ઇન્ડિયા વીઆઈએક્સને ઘણીવાર "ફિયર ઇન્ડેક્સ" (ડરનો સૂચકાંક) તરીકે ઓળખવામાં આવે છે.
વોલેટિલિટી સ્માઈલ એટલે શું?
વોલેટિલિટી સ્માઈલનો ગ્રાફિકલ આકાર ઘણા કોન્ટ્રાક્ટ્સની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી અને સ્ટ્રાઈક પ્રાઈસને ગ્રાફ કરીને બનાવવામાં આવે છે. આમાંના દરેક કોન્ટ્રાક્ટની અન્ડરલાઇંગ એસેટ અને સમાપ્તિ તારીખ સમાન હોય છે. જેમ જેમ ઓપ્શન એટ-ધ-મનીથી દૂર જાય છે કાં તો ઇન-ધ-મની કે વધુ આઉટ-ઓફ-ધ-મની ની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી વધે છે.
ઇમ્પ્લાઇડ વોલેટિલિટી એટ-ધ-મની ઓપ્શન્સ માટે સૌથી ઓછી હોય છે અને બંને બાજુ વધે છે, જે U-આકારનો વળાંક બનાવે છે જે સ્માઈલ જેવું લાગે છે. ઇમ્પ્લાઇડ વોલેટિલિટી એટ-ધ-મની ઓપ્શન્સ માટે સૌથી ઓછી હોય છે, જ્યાં સ્ટ્રાઈક પ્રાઈસ વર્તમાન બજાર કિંમતની સૌથી નજીક હોય છે. જેમ જેમ ઓપ્શન્સ કાં તો ઇન-ધ-મની અથવા આઉટ-ઓફ-ધ-મની તરફ જાય છે, તેમ ઇમ્પ્લાઇડ વોલેટિલિટી વધે છે.
આ વિશે વધુ વાંચો: વોલેટિલિટી સ્માઈલ અને સરફેસ શું છે?
વોલેટિલિટી સ્ક્યુ એટલે શું?
વોલેટિલિટી સ્માઈલની વિપરીત, જે સંતુલિત છે, ‘વોલેટિલિટી સ્ક્યુ’ એક તરફ નમેલી હોય છે. તે ‘આઉટ-ઓફ-ધ-મની’, ‘ઇન-ધ-મની’ અને ‘એટ-ધ-મની’ ઓપ્શન્સ માટે વિવિધ આઇવી દર્શાવે છે. વોલેટિલિટી સ્ક્યુ ત્યારે દેખાય છે, જ્યારે અમુક ઓપ્શન્સ અન્ય કરતાં વધુ ઇમ્પ્લાઇડ વોલેટિલિટી દર્શાવે છે.
વોલેટિલિટી એ ચોક્કસ સમયગાળામાં ભાવમાં થતી હિલચાલનું પ્રમાણ અને ઝડપ છે. બજારની ઊંચી વોલેટિલિટી ઘણીવાર રોકાણકારોમાં વધેલી અનિશ્ચિતતાને પ્રતિબિંબિત કરે છે. જેથી વીઆઈએક્સ વોલેટિલિટી ઇન્ડેક્સને ક્યારેક "ફિયર ઇન્ડેક્સ" કહેવામાં આવે છે. વોલેટિલિટી માર્કેટમાં ટૂંકા ગાળાની ટ્રેડિંગની તકો પણ ઉભી કરી શકે છે.
નિષ્કર્ષ
વોલેટિલિટી શેરબજારનો એક મહત્વણો ભાગ છે, કારણ કે તે દર્શાવે છે કે સમય જતાં ભાવ કેટલી વાર અને કેટલી ઝડપથી વધે કે ઘટે છે. જોકે હાઈ વોલેટિલિટી બજારના જોખમને વધારી શકે છે, તે રોકાણકારોને બજારના વર્તણૂંકને સમજવામાં અને સંભવિત તકોને ઓળખવામાં પણ મદદ કરે છે.
વોલેટિલિટી કેવી રીતે કાર્ય કરે છે, તે શીખીને તેના સૂચકાંકો અને અસર કરતા પરિબળોની સાથે રોકાણકારો વધુ જાણકાર નિર્ણયો લઈ શકે છે અને બદલાતી બજાર પરિસ્થિતિઓમાં જોખમનું વધુ અસરકારક રીતે સંચાલન કરી શકે છે.
એન્જલ વન સાથે ખોલો ફ્રી ડિમેટ એકાઉન્ટ અને તરત જ રોકાણ શરૂ કરો

