ટેકનોલોજીએ ટ્રેડિંગને ખૂબ જ સરળ બનાવી દીધું છે, જે મિલેનિયલ્સ (યુવા પેઢી)ને આકર્ષિત કરી રહ્યું છે. પરંતુ તમે ટ્રેડિંગના ક્ષેત્રમાં પ્રવેશ કરો તે પહેલાં તમારે ટ્રેડિંગને અસર કરતી કેટલીક મહત્વની બાબતો સમજવી જરૂરી છે. માર્કેટ લિક્વિડિટી (બજારની તરલતા) એવો જ એક ખ્યાલ છે. સામાન્ય રીતે, લિક્વિડિટી એટલે કે કોઈ સંપત્તિ કેટલી ઝડપથી રોકડમાં રૂપાંતરિત થઈ શકે છે. જ્યારે સ્ટોક માર્કેટની વાત આવે છે, ત્યારે લિક્વિડિટીનો અર્થ એ છે કે માર્કેટપ્લેસમાં સિક્યોરિટીનું ટ્રાન્ઝેક્શન કેટલી ઝડપથી થાય છે. તેનો અર્થ એ છે કે ટ્રેડરને ઊંચો ટ્રાન્ઝેક્શન કોસ્ટ (વ્યવહાર ખર્ચ) ચૂકવ્યા વિના સિક્યોરિટીમાં કેટલી સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. અહીં ઊંચો ખર્ચ એટલે કે 'ઈમ્પેક્ટ કોસ્ટ' છે, જે લિક્વિડિટીના અભાવને કારણે ટ્રેડરે ભોગવવો પડે છે. (સિક્યોરિટીઝ ક્યારે લિક્વિડ કે ઈલિક્વિડ ગણાય, તે જાણવા માટે અહીં ક્લિક કરો)
ઈમ્પેક્ટ કોસ્ટ એ સિક્યોરિટીની લિક્વિડિટી માપવાનું સાધન છે. બજારમાં ઉપલબ્ધ સિક્યોરિટીની વર્તમાન લિક્વિડિટીની સ્થિતિને કારણે કોઈ ચોક્કસ સમયે ઓર્ડરના ચોક્કસ જથ્થા માટે ખરીદનાર અથવા વેચનારને થતો ખર્ચ છે. ખરીદદારો અને વેચાણકારોની ઉપલબ્ધતા બજારની લિક્વિડિટી નક્કી કરે છે. જેટલા ખરીદદારો અને વેચનાર વધુ હશે, એટલું જ ટ્રાન્ઝેક્શન ઝડપી બનશે. ત્યારે તે સિક્યોરિટી 'લિક્વિડ' કહેવાય છે. બીજી તરફ જો કોઈ સિક્યોરિટી માટે ખરીદદારો અને વેચાણકારો મર્યાદિત હોય, તો ટ્રેડ એક્ઝિક્યુટ (પૂર્ણ) થવામાં વધુ સમય લાગે છે, જેના કારણે સિક્યોરિટી 'ઈલિક્વિડ' બને છે.
સિક્યોરિટીની લિક્વિડિટીનું મૂલ્યાંકન કરવા માટે ઈમ્પેક્ટ કોસ્ટ એ એક કાર્યક્ષમ માપદંડ છે. ઈમ્પેક્ટ કોસ્ટ જેટલો વધારે, લિક્વિડિટી એટલી જ ઓછી હશે.
નોંધ: ઈમ્પેક્ટ કોસ્ટ એ હિડન કોસ્ટ (છૂપો ખર્ચ) છે, જે ફિક્સ્ડ ટ્રાન્ઝેક્શન કોસ્ટ કરતાં અલગ હોય છે. તમારી કોન્ટ્રાક્ટ નોટમાં તમે જે ફિક્સ્ડ ટ્રાન્ઝેક્શન કોસ્ટ જુઓ છો, તેમાં સામાન્ય રીતે બ્રોકરેજ, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, જીએસટી અને અન્ય ચાર્જીસનો સમાવેશ થાય છે.
એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ઈમ્પેક્ટ કોસ્ટની ગણતરી કેવી રીતે થાય છે અને તે બિડ-આસ્ક સ્પ્રેડની તુલનામાં ટ્રેડ એક્ઝિક્યુશનના વાસ્તવિક ખર્ચને નિર્ધારિત કરવામાં ટ્રેડરને કેવી રીતે મદદ કરે છે. કોઈ ચોક્કસ સમયે સ્ટોક 'X' માટે નીચે આપેલા ઓર્ડર બુકનો વિચાર કરો:
| ખરીદનાર ( | વેચનાર | ||||
| ક્રમ | જથ્થો | કિંમત (રૂ.) | કિંમત (રૂ.) | જથ્થો | ક્રમ |
| 1. | 1000 | 13.5 | 14 | 1000 | 1. |
| 2. | 1000 | 13.4 | 14.5 | 1500 | 2. |
| 3. | 2000 | 13.1 | 13.7 | 500 | 3. |
| 4. | 1000 | 12.7 | 13.5 | 100 | 4. |
ઓર્ડર બુકમાં ૪ બાય (ખરીદી) અને સેલ (વેચાણ) ઓર્ડર ઉપલબ્ધ છે. જો કોઈ ખરીદનાર Xના 100 શેર્સ ખરીદવા માંગે છે, તો તે રૂ. 14ના શ્રેષ્ઠ ઉપલબ્ધ સેલ ઓર્ડર સાથે મેચ થશે, એટલે કે તેને પ્રતિ શેર રૂ. 14ના ભાવે 100 શેર્સ મળશે. જો કોઈ વેચનાર Xના 100 શેર્સ વેચવા માંગે છે, તો તે રૂ. 13.5ના સૌથી ઊંચા ઉપલબ્ધ બાય ઓર્ડર સાથે મેચ થશે, એટલે કે શેર્સ પ્રતિ શેર રૂ. 13.5ના ભાવે વેચાશે.
ઉપરોક્ત પરિસ્થિતિમાં બિડ-આસ્ક સ્પ્રેડ રૂ. 0.5 છે. તેથી જો કોઈ વ્યક્તિ 100 શેર્સ ખરીદે અને તેને તરત જ વેચી દે, તો તેને બિડ-આસ્ક સ્પ્રેડને કારણે નુક્શાન થાય છે. અહીં બિડ-આસ્ક સ્પ્રેડને ઈમ્પેક્ટ કોસ્ટ તરીકે ગણવામાં આવે છે, જે ટ્રેડરે ભોગવવો પડે છે. ઉપર આપેલા ઉદાહરણમાં રૂ. 0.5નો બિડ-આસ્ક સ્પ્રેડ 1000 શેર્સ સુધીના ઓર્ડર સાઇઝ માટે માન્ય છે. 1000 શેર્સથી વધુના ઓર્ડર સાઇઝ માટે ઈમ્પેક્ટ કોસ્ટ ઉપરોક્ત ઉદાહરણના બિડ-આસ્ક સ્પ્રેડ કરતાં અલગ થાય છે.
ઈમ્પેક્ટ કોસ્ટની ગણતરી નીચેના ફોર્મ્યુલા (સૂત્ર)નો ઉપયોગ કરીને કરવામાં આવે છે:
- ઈમ્પેક્ટ કોસ્ટ (ચોક્કસ જથ્થા માટે) = (વાસ્તવિક ખરીદી / વેચાણ કિંમત - આદર્શ કિંમત) ÷ આદર્શ કિંમત x 100
- આદર્શ કિંમત = (શ્રેષ્ઠ ખરીદી કિંમત + શ્રેષ્ઠ વેચાણ કિંમત) ÷ 2
- વાસ્તવિક ખરીદી / વેચાણ કિંમત = (જથ્થો x એક્ઝિક્યુશન કિંમત)નો સરવાળો ÷ કુલ જથ્થો
સ્થિતિ 1: જો કોઈ ટ્રેડર Xના 3000 શેર્સ ખરીદવા માંગે છે,
- આદર્શ કિંમત = (રૂ. 13.5 + રૂ. 14) ÷ 2 = રૂ. 13.75
- વાસ્તવિક ખરીદી કિંમત = (14 x 1000 + 14.5 x 1500 + 13.7 x 7500) ÷ 3000 = રૂ. 14.2
- 3000 શેર્સ માટે ઈમ્પેક્ટ કોસ્ટ = (14.2 - 13.75) ÷ 13.75 = 0.0327 x 100 = 3.27%
Xના 3000 શેર્સ ખરીદવા માટે સામનો કરવો પડતો ઈમ્પેક્ટ કોસ્ટ આદર્શ ટ્રાન્ઝેક્શન કિંમત કરતાં 3.27% વધુ છે.
સ્થિતિ 2: હવે, જો કોઈ ટ્રેડર Xના 3000 શેર્સ વેચવા માંગે છે,
- આદર્શ વેચાણ કિંમત = (રૂ. 14 + રૂ. 13.5) ÷ 2 = રૂ. 13.75
- વાસ્તવિક વેચાણ કિંમત = (13.5 x 1000 + 13.4 x 1000 + 13.1 x 1000) ÷ 3000 = રૂ. 13.3
- ઈમ્પેક્ટ કોસ્ટ = (13.3 - 13.75) ÷ 13.75 = 0.0303 x 100 = 3.03%
Xના 3000 શેર્સ વેચવા માટે થતો ઈમ્પેક્ટ કોસ્ટ આઈડીયલ ટ્રાન્ઝેક્શન પ્રાઈસ કરતાં 3.03% ઓછો છે.
દર વખતે ઈમ્પેક્ટ કોસ્ટની ગણતરી કરવી એ ટ્રેડર માટે જટિલ કામ છે. એનએસઈ અને બીએસઈ સિક્યોરિટીઝ માટે ઈમ્પેક્ટ કોસ્ટનું રેડી રેકનર પૂરું પાડે છે. એનએસઈ પર લિસ્ટેડ સિક્યોરિટીઝની યાદી અને મહિના માટે તેમનો ઈમ્પેક્ટ કોસ્ટ જાણવા અહીં ક્લિક કરો. બીએસઈ પર લિસ્ટેડ સિક્યોરિટીઝની યાદી અને તેમનો ઈમ્પેક્ટ કોસ્ટ જાણવા અહીં ક્લિક કરો.
હવે તમે ઈમ્પેક્ટ કોસ્ટની વ્યાખ્યા અને તેની ગણતરી વિશે જાણી લીધા બાદ ઈમ્પેક્ટ કોસ્ટના કેટલાક મુખ્ય ફીચર્સ જાણવા જરૂરી છે:
- ખરીદી અને વેચાણ માટે ઈમ્પેક્ટ કોસ્ટની ગણતરી અલગ-અલગ કરવામાં આવે છે.
- અલગ-અલગ ટ્રાન્ઝેક્શન સાઇઝ માટે ઈમ્પેક્ટ કોસ્ટ અલગ થઈ શકે છે.
- ઈમ્પેક્ટ કોસ્ટ અથવા બિડ-આસ્ક સ્પ્રેડ જેટલું વધારે હશે, લિક્વિડિટી એટલી જ ઓછી હશે, અને તેનાથી ઉલટું પણ થઈ શકે છે.
હવેથી, જો તમને ઓછો ઈમ્પેક્ટ કોસ્ટ ધરાવતી સિક્યોરિટી જોવા મળે, તો તમે નિષ્કર્ષ કાઢી શકો છો કે બજારમાં ખરીદદારો અને વેચાણકારો ઉપલબ્ધ છે, જે ખરીદી અને વેચાણની તકો શોધી રહ્યા છે. કોઈ સિક્યોરિટીનો હાઈ ઈમ્પેક્ટ કોસ્ટ લિક્વિડિટીનો અભાવ દર્શાવે છે, જેનાથી ખરીદદારો અને વેચાણકારો માટે ખર્ચ વધે જાય છે. રોકાણકારોએ હાલ શીખેલ બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના ટ્રેડની વ્યૂહરચનાનું આયોજન કરો. હેપ્પી ટ્રેડિંગ!!

