Skip to main content

ભારતમાં કેટલા સ્ટોક માર્કેટ છે?

6 min readUpdated on 4th Aug, 2026by Angel One
ભારતના સ્ટોક એક્સચેન્જ ઇકોસિસ્ટમમાં ઇક્વિટી, કોમોડિટી અને ઇન્ટરનેશનલ સેગમેન્ટના માન્યતા પ્રાપ્ત એક્સચેન્જોનો સમાવેશ થાય છે, જેમાં બજારની મોટાભાગની પ્રવૃત્તિઓ મુખ્યત્વે ગણતરીના પ્લેટફોર્મ પર કેન્દ્રિત છે.
Share

ભારતનું કેપિટલ માર્કેટ (મૂડી બજાર) વિશ્વના ટોચના ઇક્વિટી બજારોમાંના એક રીતે ઊભરી આવ્યું છે. માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ)ની દ્રષ્ટિએ એનએસઈ અને બીએસઈ બંને વૈશ્વિક સ્તરે ટોચના ૧૦ એક્સચેન્જોમાં સ્થાન ધરાવે છે. ભારત એવા ગણતરીના દેશોમાંથી એક છે, જેની પાસે આ સ્તરના બે એક્સચેન્જ છે.

જ્યારે લોકો પૂછે છે કે આજે ભારતમાં કેટલા સ્ટોક એક્સચેન્જ અસ્તિત્વમાં છે, ત્યારે તેનો જવાબ આ વિકાસ અને બજારના મોટા એકત્રીકરણ (સંગઠન)ને દર્શાવે છે. ઉદારીકરણ પહેલાં ભારતમાં ૨૦થી વધુ પ્રાદેશિક એક્સચેન્જો હતા, જે ઘટીને વર્ષ ૨૦૨૬માં સેબી-માન્યતા પ્રાપ્ત માત્ર ૬ કાર્યરત એક્સચેન્જો છે, જેમાં બજારની પ્રવૃત્તિ મુખ્યત્વે બે અગ્રણી પ્લેટફોર્મ પર કેન્દ્રિત છે. તેમની ભૂમિકાને સમજવાથી એ સ્પષ્ટ થાય છે કે ભારતીય નાણાંકીય બજાર કેવી રીતે કાર્ય કરે છે અને શા માટે ચોક્કસ એક્સચેન્જો દેશમાં રોકાણ અને ટ્રેડિંગને આકાર આપતાં રહે છે.

મુખ્ય મુદ્દાઓ

  • ભારત પાસે ઇક્વિટી, કોમોડિટી અને ઇન્ટરનેશનલ માર્કેટ સેગમેન્ટમાં માન્યતા પ્રાપ્ત એક્સચેન્જો છે.
  • ઊંચી લિક્વિડિટી (તરલતા) અને વ્યાપક ટ્રેડિંગ સહભાગીતાને કારણે ઇક્વિટી માર્કેટની પ્રવૃત્તિ મોટાભાગે મુખ્ય એક્સચેન્જો પર કેન્દ્રિત છે.
  • કોમોડિટી એક્સચેન્જો વિવિધ કોમોડિટી શ્રેણીઓમાં પ્રાઇસ ડિસ્કવરી (ભાવ નિર્ધારણ) અને રિસ્ક મેનેજમેન્ટ (જોખમ સંચાલન)ને ટેકો આપે છે.
  • સેબીના નિયમન અને ટેક્નોલોજી આધારિત સુધારાઓએ પારદર્શિતા, બજાર સુધીની પહોંચ અને રોકાણકારોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે.

ભારતમાં સ્ટોક એક્સચેન્જોની યાદી

જો તમે વિચારી રહ્યા હોવ કે ભારતમાં કેટલા સ્ટોક એક્સચેન્જ છે, તો તેનો જવાબ એ બાબત પર આધાર રાખે છે કે શું તમે ભારતમાં કાર્યરત સ્થાનિક, કોમોડિટી અને આંતરરાષ્ટ્રીય એક્સચેન્જોને એકસાથે ગણો છો કે નહીં.

ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ

ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ એ ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ છે અને તે ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટરથી કામ કરે છે. ભારતીય અને વૈશ્વિક રોકાણકારોને નિયમનકારી માળખા હેઠળ આંતરરાષ્ટ્રીય નાણાંકીય બજારો સુધી પહોંચ પ્રદાન કરવાનો ઉદ્દેશ સાથે ૨૦૧૭માં તેની કામગીરી શરૂ થઈ હતી. ઇન્ડિયા આઈએનએક્સ ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, કોમોડિટી ડેરિવેટિવ્ઝ અને ડેટ સિક્યોરિટીઝ (ઋણ જામીનગીરીઓ) જેવા સાધનોમાં ટ્રેડિંગ કરે છે. ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવા અને ક્રોસ-બોર્ડર મૂડી બજારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે આ એક્સચેન્જ શરૂ કરવામાં આવ્યું હતું.

એનએસઈ આઈએફએસસી લિમિટેડ (એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જ)

એનએસઈ આઇએફએસસી લિમિટેડ, જે 'એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જ' તરીકે પણ ઓળખાય છે, તે ગિફ્ટ સિટીના આઈએફએસસી ખાતે એનએસઈ દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ પ્લેટફોર્મ છે. તેની સ્થાપના વર્ષ ૨૦૧૬માં કરવામાં આવી હતી, જેનો હેતુ ભારતમાં જ રહીને આંતરરાષ્ટ્રીય બજાર માળખા દ્વારા વૈશ્વિક બજાર સહભાગીતાને સરળ બનાવવાનો હતો. આ એક્સચેન્જ ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ડેટ સિક્યોરિટીઝ અને પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારના સાધનો સહિતના પ્રોડક્ટ્સની એક્સેસ પ્રદાન કરે છે. તેનું માળખું લાંબા સમય સુધી ટ્રેડિંગ સુવિધા આપવા અને ભારતીય તથા વિદેશી નાણાંકીય સહભાગીઓ વચ્ચે જોડાણ સુધારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ

બીએસઈની શરૂઆત ૧૮૫૦માં થઈ હતી, જ્યારે બ્રોકરો (દલાલો) મુંબઈમાં અનૌપચારિક રીતે એકત્ર થતા હતા. તે સમયના અગ્રણી સ્ટોક બ્રોકર અને અગ્રણી ઉદ્યોગપતિ પ્રેમચંદ રાયચંદ, 'ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન' ના મુખ્ય સ્થાપક સભ્ય હતા, જેની ઔપચારિક સ્થાપના ૧૮૭૫માં થઈ હતી.

૧૯૮૬માં બીએસઈએ સેન્સેક્સ રજૂ કર્યો, જે ભારતનો પ્રથમ બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ છે અને જે વિવિધ ક્ષેત્રોની ૩૦ અગ્રણી કંપનીઓને ટ્રેક કરે છે. સમય સાથે બીએસઈએ ઇક્વિટી ઉપરાંત ડેરિવેટિવ્ઝ, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સનો પણ સમાવેશ કર્યો.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત સુધીમાં બીએસઈમાં લગભગ ૫,૬૪૭ લિસ્ટેડ કંપનીઓ છે અને લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ટોચના ૧૦ સૌથી મોટા સ્ટોક એક્સચેન્જોમાં સ્થાન ધરાવે છે. એનએસઈ પણ આ જ ટોચના ૧૦ એક્સચેન્જોમાં સામેલ છે, જેથી ભારત એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જેના બે ટોચના એક્સચેન્જ દુનિયાના ટોપ ૧૦માં સામેલ છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા

૧૯૯૨માં સ્થાપિત અને ૧૯૯૪થી કાર્યરત નેશનલ સ્ટોક એક્સચેન્જે કાગળ-આધારિત પ્રણાલી નાબૂદ કરીને સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ શરૂ કર્યું, જેના કારણે ભારતીય કેપિટલ માર્કેટમાં મોટો બદલાવ આવ્યો. એનએસઈએ સૌપ્રથમ હોલસેલ ડેટ માર્કેટ (જથ્થાબંધ ઋણ બજાર) શરૂ કર્યું, ત્યારબાદ કેશ માર્કેટ (રોકડ બજાર) શરૂ કર્યું. ૧૯૯૬માં તેણે નિફ્ટી50 ઇન્ડેક્સ રજૂ કર્યો, જે એક્સચેન્જ પર લિસ્ટેડ ટોચની ૫૦ કંપનીઓને ટ્રેક કરે છે અને બજારના બેન્ચમાર્ક તરીકે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. એનએસઈએ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડની સ્થાપનામાં પણ મહત્વણો ભાગ ભજવ્યો હતો, જેના દ્વારા ડિમટીરિયલાઇઝ્ડ સિક્યોરિટીઝ અને ઝડપી સેટલમેન્ટ શક્ય બન્યા. આજે એનએસઈ ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ, કરન્સી, કોમોડિટી અને ડેટ માર્કેટ ટ્રેડિંગ વોલ્યુમમાં ભારતમાં મોખરે છે. ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં એનએસઈમાં આશરે ૨,૮૬૭ લિસ્ટેડ કંપનીઓ છે, જે તેને ટ્રેડિંગ વોલ્યુમ, ડેરિવેટિવ્ઝ અને બજારની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારતનું અગ્રણી એક્સચેન્જ બનાવે છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ૨૦૦૩માં શરૂ થયું હતું અને તે ભારતનું સૌથી મોટું કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે. તે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ (bullion), તાંબુ અને એલ્યુમિનિયમ જેવી બેઝ મેટલ્સ, ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ સહિતની એનર્જી પ્રોડક્ટ્સ, તેમજ પસંદગીની કૃષિ કોમોડિટીઝમાં ટ્રેડિંગની સુવિધા આપે છે. એમસીએક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ ઓફર કરે છે અને તેણે BULLDEX, METLDEX અને ENRGDEX જેવા કોમોડિટી ઇન્ડેક્સ પણ રજૂ કર્યા છે. તે એનએસઈ અને બીએસઈ બંને પર લિસ્ટ થનારું ભારતનું પ્રથમ કોમોડિટી એક્સચેન્જ હતું, જે કોમોડિટી બજારના વિકાસમાં એક મહત્વનો સીમાચિહ્નરૂપ સાબિત થયું.

નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ

NCDEX ભારતનું અન્ય એક મુખ્ય કોમોડિટી એક્સચેન્જ છે, જે કૃષિ કોમોડિટીઝ પર ફોકસ કરે છે. તે અનાજ, કઠોળ, તેલીબિયાં, ફાઇબર અને મસાલાઓમાં ટ્રેડિંગની સુવિધા આપે છે, જે ખેડૂતો, વેપારીઓ અને કૃષિ આધારિત વ્યવસાયોને ભાવના જોખમનું સંચાલન કરવામાં મદદ કરે છે. કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા અને ભાવ નિર્ધારણને વધારવા માટે NCDEX એ સમયાંતરે AGRIDEX જેવા કૃષિ આધારિત સૂચકાંકો રજુ કર્યા છે. તે ભારતના એગ્રી-કોમોડિટી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

કલકત્તા સ્ટોક એક્સચેન્જ

કલકત્તા સ્ટોક એક્સચેન્જ એ ભારતની સૌથી જૂની નાણાંકીય સંસ્થાઓમાંથી એક છે, જેનો ઇતિહાસ 1830ના દાયકાનો છે અને તેની ઔપચારિક સ્થાપના 1908માં થઈ હતી. તે એક સમયે ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જોમાંથી એક હતું, જે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સીએસઈ-40 ધરાવતું હતું. જોકે, જરૂરી ક્લિયરિંગ કોર્પોરેશનની વ્યવસ્થા ઊભી કરવામાં અને પૂરતું નેટવર્થ જાળવવામાં નિષ્ફળતા સહિતના નિયમનકારી અને પાલન સંબંધિત મુદ્દાઓને કારણે એપ્રિલ 2013થી સીએસઈ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ સ્થગિત કરવામાં આવ્યું છે. એપ્રિલ 2025માં સીએસઈના શેરધારકોએ એક અસાધારણ સામાન્ય સભામાં સ્વૈચ્છિક એક્ઝિટ પ્લાનને મંજૂરી આપી હતી અને એક્સચેન્જે સેબીને ઔપચારિક એક્ઝિટ એપ્લિકેશન સબમિટ કરી હતી. વર્ષ 2026ની સ્થિતિ મુજબ સેબી આ એપ્લિકેશનની સમીક્ષા કરવાની પ્રક્રિયામાં છે, જેમાં એક્સચેન્જની અસ્કયામતો અને જવાબદારીઓનું મૂલ્યાંકન કરવા માટે એક વેલ્યુએશન એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે. એકવાર સેબીએ મંજૂરી આપી દીધી બાદ સીએસઈ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ તરીકે કાર્ય કરવાનું બંધ કરશે.

મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા

મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જને 2012માં માન્યતા મળી હતી અને તે મોટા એક્સચેન્જોની જેમ જ ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇન્ટરેસ્ટ રેટ ફ્યુચર્સ અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિતની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. ટેક્નોલોજીકલ રીતે સજ્જ હોવા છતાં એમએસઈ ખૂબ જ ઓછા ટ્રેડિંગ વોલ્યુમ સાથે કાર્ય કરે છે. તેની હાજરી ભારતના કેપિટલ માર્કેટમાં સ્પર્ધા અને વૈકલ્પિક ટ્રેડિંગ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાના પ્રયાસો દર્શાવે છે.

સ્ટોક એક્સચેન્જ એટલે શું?

સ્ટોક એક્સચેન્જ એ એક સંગઠિત પ્લેટફોર્મ છે, જ્યાં ખરીદદારો અને વેચાણકર્તાઓ નિયત વ્યાવસાયિક કલાકો દરમિયાન ઇક્વિટી, બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, કોમોડિટીઝ અને કરન્સી જેવા નાણાંકીય સાધનોનો વેપાર કરે છે. આ એક્સચેન્જો પારદર્શિતા, પ્રાઇસ ડિસ્કવરી, લિક્વિડિટી અને રોકાણકારોને સુરક્ષા પૂરી પાડે છે અને ભારતમાં તમામ માન્યતા પ્રાપ્ત એક્સચેન્જો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની દેખરેખ હેઠળ કાર્ય કરે છે.

ભારતમાં પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જોની ભૂમિકા

ઉદારીકરણ અને ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગના આગમન પહેલા ભારતના વિવિધ શહેરોમાં 20થી વધુ પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જો કાર્યરત હતા, જે સ્થાનિક રોકાણકારોની જરૂરિયાતો પૂરી કરતાં હતા. નેશનલ પ્લેટફોર્મ પર ટ્રેડિંગનું કેન્દ્રિકરણ, તકનીકી પ્રગતિ અને સેબીની કડક નિયમનકારી આવશ્યકતાઓ (જેમ કે લઘુત્તમ ₹100 કરોડની નેટવર્થ અને ફરજિયાત ક્લિયરિંગ કોર્પોરેશન વ્યવસ્થા)ના કારણે આ એક્સચેન્જોએ ધીમે-ધીમે પોતાનું મહત્વ ગુમાવ્યું. છેલ્લા બે દાયકામાં મોટાભાગના પ્રાદેશિક એક્સચેન્જો સ્વૈચ્છિક રીતે બંધ થઈ ગયા અથવા તેમની માન્યતા રદ્દ કરવામાં આવી. આ એકત્રીકરણ 2020ના દાયકાના મધ્ય સુધી ચાલુ રહ્યું. નેટવર્થની ખામીઓ અને બિન-પાલનને કારણે ડિસેમ્બર 2024માં સેબીએ માન્યતા પાછી ખેંચી લેતા ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જ ઔપચારિક રીતે બંધ થઈ ગયું. ભારતની સૌથી જૂની નાણાંકીય સંસ્થાઓમાંની એક એવી કલકત્તા સ્ટોક એક્સચેન્જ પણ સ્વૈચ્છિક એક્ઝિટની પ્રક્રિયામાં છે, જેની એપ્લિકેશનની સેબી વર્ષ 2026ની સ્થિતિએ સમીક્ષા કરી રહી છે. ભારતના ઇક્વિટી માર્કેટમાં ટ્રેડિંગ પ્રવૃત્તિ હવે લગભગ સંપૂર્ણપણે બીએસઈ અને એનએસઈ પર જ કેન્દ્રિત છે.

ભારતમાં રોકાણકારો/ટ્રેડર્સ માટે ટ્રાન્ઝેક્શન કરવા માટે કયું સ્ટોક એક્સચેન્જ વધુ સારું છે?

સ્ટોક એક્સચેન્જની પસંદગી રોકાણકાર કે ટ્રેડર કયા પ્રકારના માર્કેટમાં પ્રવેશવા માંગે છે, તેના પર આધાર રાખે છે. ઇક્વિટી રોકાણ અને ટ્રેડિંગ માટે ભારતમાં મોટાભાગના વ્યવહારો બીએસઈ અને એનએસઈ દ્વારા થાય છે, કારણ કે દેશમાં લિસ્ટેડ મોટાભાગની સિક્યોરીટીઝ અને ટ્રેડિંગ પ્રવૃત્તિઓ આ એક્સચેન્જો પર જ થાય છે. ઘણી કંપનીઓ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોવાને કારણે એક્સચેન્જની પસંદગી લિક્વિડિટી, ઓર્ડર એક્ઝિક્યુશનની કાર્યક્ષમતા અને ઉપયોગમાં લેવાતા ટ્રેડિંગ પ્લેટફોર્મ પર તેની ઉપલબ્ધતા પર નિર્ભર છે.

કોમોડિટી ટ્રેડિંગ માટે પ્રોડક્ટની કેટેગરીના આધારે પસંદગી બદલાય છે. એમસીએક્સનો ઉપયોગ ખાસ કરીને બિન-કૃષિ કોમોડિટી ડેરિવેટિવ્ઝ જેમ કે, બુલિયન, મેટલ્સ અને એનર્જી પ્રોડક્ટ્સ માટે થાય છે, જ્યારે એનસીડીઈએક્સનું ફોકસ કૃષિ કોમોડિટી ડેરિવેટિવ્ઝ પર વધુ હોય છે. હકીકતમાં રોકાણકારો અને ટ્રેડર્સ સામાન્ય રીતે તે એક્સચેન્જ પર ટ્રાન્ઝેક્શન કરે છે, જ્યાં જરૂરી સિક્યોરિટીઝ અથવા કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ હોય અને સક્રિય રીતે ટ્રેડ થતો હોય, ન કે કોઈએ એક એક્સચેન્જને બીજાને કરતાં વધુ સારું માનીને પસંદ કરે.

જે રોકાણકારો આંતરરાષ્ટ્રીય બજારના સાધનો, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ક્રોસ-બોર્ડર પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા માંગે છે, તેમના માટે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા આઈએનએક્સ અને એનએસઈ આઈએફએસસી એ આઈએફએસસીએ હેઠળ એક નિયમનકારી આંતરરાષ્ટ્રીય માળખું પૂરું પાડે છે, જે આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયો ધરાવતા સ્થાનિક અને બિન-નિવાસી બંને રોકાણકારો માટે સુસંગત બને છે.

નિયમન અને બજારની દેખરેખ

ભારતમાં તમામ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો સેબીના નિયમનકારી માળખા હેઠળ કાર્યરત છે. સેબી લિસ્ટિંગની જરૂરિયાતો, ડિસ્ક્લોઝર (માહિતી જાહેર કરવાનો) ધોરણો, ટ્રેડિંગ સિસ્ટમ્સ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ તેમજ રોકાણકારોની ફરિયાદોના નિવારણ પર દેખરેખ રાખે છે. આ નિયમનકારી માળખું પારદર્શિતા, બજારની સ્થિરતા અને રોકાણકારોના વિશ્વાસને ટેકો આપે છે, સાથે સાથે ભારતીય નાણાંકીય બજારોની એકંદર કામગીરીને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો: શેરબજારમાં રોકાણ કેવી રીતે કરવું?

નિષ્કર્ષ

ભારતનું એક્સચેન્જ ઇકોસિસ્ટમ ઘણા પ્રાદેશિક બજારોથી બદલીને વધુ કેન્દ્રિત અને ટેક્નોલોજી-આધારિત માળખામાં વિકસિત થયું છે. જોકે, ભારતમાં ઇક્વિટી, કોમોડિટી અને ઇન્ટરનેશનલ સેગમેન્ટમાં હજીપણ કેટલાક માન્ય સ્ટોક એક્સચેન્જો અસ્તિત્વમાં છે, પરંતુ બજારની મોટાભાગની પ્રવૃત્તિ કેટલાંક મોટા એક્સચેન્જ સુધી જ સીમિત છે. દરેક એક્સચેન્જની ભૂમિકા અને કેન્દ્રબિંદુને સમજવાથી રોકાણકારો અને ટ્રેડર્સને ભારતના નાણાંકીય બજારો કેવી રીતે કાર્ય કરે છે અને રોકાણની વિવિધ તકો ક્યાં ઉપલબ્ધ છે, તેની સ્પષ્ટ માહિતી મળે છે.

તમારી આંતરદૃષ્ટિને ક્રિયામાં ફેરવો - એન્જલ વન સાથે ફ્રી ડિમેટ એકાઉન્ટ ખોલો અને તરત જ રોકાણ શરૂ કરો.

FAQs

આજે ભારતમાં કેટલા સ્ટોક એક્સચેન્જ કાર્યરત છે?

વર્ષ 2026ની સ્થિતિ મુજબ, સેબી દ્વારા 7 એક્સચેન્જોને માન્યતા આપવામાં આવી છે. તે બીએસઈ, એનએસઈ, એમસીએક્સ, એનસીડીઈએક્સ, ઇન્ડિયા આઈએનએક્સ (ગિફ્ટ સિટી ખાતે) અને એનએસઈ આઈએફએસસી (ગિફ્ટ સિટી ખાતે) છે. મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ પણ માન્યતા ધરાવે છે, પરંતુ તે ખૂબ જ મર્યાદિત ટ્રેડિંગ પ્રવૃત્તિ સાથે કાર્યરત છે.

ભારતમાં સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ કયું છે?

1875માં સ્થાપિત બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારત અને એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે.

શું પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જો હજુ પણ સુસંગત છે?

મોટાભાગના પ્રાદેશિક એક્સચેન્જો આજે નિષ્ક્રિય છે. કલકત્તા સ્ટોક એક્સચેન્જ હજુ પણ માન્યતા પ્રાપ્ત છે, પરંતુ તેની કામગીરી મર્યાદિત છે.

એનએસઈ કઈ રીતે બીએસઈથી અલગ છે?

બીએસઈ વધુ લિસ્ટેડ કંપનીઓ સાથે જૂનું એક્સચેન્જ છે, જ્યારે એનએસઈ ટ્રેડિંગ વોલ્યુમ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં મોખરે છે.

ભારતમાં સ્ટોક એક્સચેન્જોનું નિયમન કોણ કરે છે?

ભારતમાં તમામ સ્ટોક એક્સચેન્જોનું નિયમન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે.

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers

+91

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers
+91